17 January 2010

જામનગર: ચાર વર્ષના સંઘર્ષ બાદ વિધવા પેન્શનની રકમ ચડત વ્યાજ સાથે અરજદારના ખાતામાં જમા

જામનગર: પેન્શન કેસમાં ચાર વર્ષના લાંબા કાનૂની જંગ બાદ વિધવાનું પેન્શન મંજૂર થયું છે. પેન્શનની રકમ ચડત વ્યાજ સાથે અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. જામનગરના હરૂભા બાલુભા જાડેજા સ્થાનિક ધનાણી ઇમ્પ-એકસ પ્રા.લી. સંસ્થામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતાં. વર્ષ-૨૦૦૫ની સાલમાં ફરજ દરમિયાન તેનું અવસાન થયું હતું. આ કર્મચારીના વિધવા ક્રિષ્નાબાએ નિવૃતિના લાભો મળવા જરૂરી ફોર્મ ભરી આધારો સાથે રાજકોટ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની ઉપ ક્ષેત્રિય કચેરીએ અરજી કરી હતી. જેના અનુસંધાને સભ્યની જન્મ તારીખનું સક્ષમ કચેરીનું પ્રમાણ પત્ર રજૂ કરવા કચેરીએ જણાવ્યું હતું. આ પ્રમાણ પત્ર સભ્યની નોકરીની સંસ્થાના રેકર્ડમાં ઉપલબ્ધ ન હોવાથી અને તેમના જન્મની નોંધ કોઇ પણ સરકારી કચેરી કે સંસ્થામાં થઇ ન હોવાથી નોટરી સમક્ષ કરેલ સોગંદનામાથી જન્મનો પુરાવો રજૂ કર્યો હતો. પરંતુ આ પુરાવો માન્ય ગણી શકાય નહીં તેમ કચેરીએ જણાવ્યું હતું. મૃત્યુ પામેલ વ્યક્તિના કિસ્સામાં જન્મ તારીખના દાખલા માટે ગુજરાત વડી અદાલતમાંથી હુકમ મેળવવાનો હોઇ અને અરજદાર વકીલ રોકવા અસમર્થ હોઇ વકીલ અણદુભા જાડેજા મારફત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળમાં કાનૂની સેવાની મદદ મળવા ગુજરાત વડી અદાલતમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી હતી.
પરંતુ વડી અદાલતમાંથી હાજર થવા નોટીસ નિકળતા આ દરમિયાન અરજદારના પતિની જન્મ તારીખનું પ્રમાણ પત્ર જામકંડોરણા તાલુકા પંચાયત નિયંત્રણ હેઠળની સાતોદડ તાલુકા શાળાના જુના રેકર્ડમાંથી મળી આવ્યું હતું. જન્મ તારીખનું અસલ પ્રમાણ પત્ર રાજકોટ પેન્શન કચેરીમાં રજૂ કરવામાં આવ્યુ હતું. જયાંથી ઇપીએસ-૯૫ હેઠળ અરજદારનું વિધવા પેન્શન સતત ચાર વર્ષની જહેમત બાદ મંજૂર થઇને આવતા વિધવા પેન્શનની રકમ ચડત પેન્શનની રકમ સાથે દેના બેંકની સ્થાનિક પટેલ કોલોની શાખાએ અરજદારના બચત ખાતામાં તાત્કાલીક જમા કરી ચૂકવી આપી હતી.

No comments:

Post a Comment