22 January 2010

જલારામ બાપા પરની ફિલ્મ રિલીઝ કરવા સામે હાઇ કોર્ટની મનાઇ : ભદ્ર સિવિલ કોર્ટમાં ફિલ્મના વિવાદના દાવાનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ કરવા પર રોક; ૩૧-૩-૨૦૧૧ સુધીમાં દાવો ચલાવી નિકાલ કરવા નીચલી કોર્ટને ફરમાન

વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાના જીવનચરિત્ર પર બનેલી એક ફિલ્મ ‘સંત શિરોમણી’ને લઇ છેલ્લા કેટલાક વર્ષોથી ભારે વિવાદ ચાલ્યો આવે છે. જલારામ બાપાની પાંચમી પેઢીના વારસોએ જલારામ બાપા પર તૈયાર કરાયેલી ફિલ્મ અને તેના રિલીઝ સામે સખ્ત વાંધો ઉઠાવ્યો છે. નીચલી કોર્ટથી લઇ છેવટે મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહે એક મહત્વના ચુકાદા મારફતે જલારામ બાપાની જીવનગાથા પર તૈયાર થયેલી ફિલ્મ કોઇપણ પ્રકારે રિલીઝ કરવા પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ શાહે જલારામ બાપાની ફિલ્મને લઇ ભદ્ર સીટી સિવિલ કોર્ટમાં પડતર દાવાનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારે ફિલ્મના પ્રદર્શન કે રિલીઝ પર મનાઇ ફરમાવી દીધી છે. એટલુ જ નહી, હાઇકોટેં તા.૩૧-૩-૨૦૧૧ સુધીમાં સિવિલ કોર્ટને આ કેસનો દાવો ચલાવી લઇ તેનો નિકાલ કરી દેવા પણ ફરમાન કયું છે. જલારામ બાપાના વારસો અને ફિલ્મ નિર્માણકર્તાઓ સહિતના પક્ષકારોને નીચલી કોર્ટ સમક્ષ ત્રણ મહિનામાં દલીલો પૂર્ણ કરી દેવા પણ હાઇકોટેં તાકીદ કરી છે. પોતાના અનોખા દાનના મહિમાને કારણે દેશ અને દુનિયામાં અમર થઇ જનાર વીરપુરના સંત જલારામ બાપાના જીવનચરિત્રને લઇ મેસર્સ સોનલ ફિલ્મ્સ તથા તેના કીરીટભાઇ રાવલ દ્વારા ‘સંત શિરોમણી’ નામની એક ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. જો કે, ફિલ્મની શરૂઆતમાં જ જલારામ બાપાના પાંચમી પેઢીના વારસોને જાણ થઇ જતા વારસ રઘુરામ જયસુખરામ ચંદરાણી તરફથી ફિલ્મ બનાવવા સામે સખ્ત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વારસો દ્વારા ભદ્ર સીટી સિવિલ કોર્ટમાં ફિલ્મના વિવાદને લઇ દાવો દાખલ કરાતા સિવિલ કોર્ટમાંથી તેમને રાહત મળી હતી, જેની સામે ફિલ્મકર્તાઓએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
જેનો વિરોધ કરતા જલારામ બાપાના વારસો તરફથી જણાવાયુ હતુ કે, જલારામ બાપા કે તેમના વારસોની શખિ્સયતને કોઇ ત્રાહિત વ્યકિતઓ ફિલ્મના માધ્યમ મારફતે વટાવી શકે નહી. વળી, આ તેમનો ‘રાઇટ ટુ પ્રાઇવેસી’નો અધિકાર છે. વારસોની અપીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ એમ.આર.શાહે ફિલ્મકર્તાઓની અપીલ ફગાવી દીધી હતી અને ઉપરોકત ચુકાદો જાહેર કર્યો હતો. વારસોના દાદાએ પણ અગાઉ આવી ફિલ્મના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો. જલારામ બાપાના હાલના વારસ રઘુરામના દાદા ગિરિધર હરિરામે પણ સને ૧૯૬૩માં જલારામ બાપા પરની એક ફિલ્મના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો. આખોય મામલો લવાદમાં ગયો હતો અને કોઇને પણ ફિલ્મમાં જલારામ બાપાનું પાત્ર ભજવવાની પરવાનગી અપાઇ ન હતી, માત્ર તેમના ફોટા જ ઉપયોગ કરવાની મંજુરી અપાઇ હતી.

જલારામ બાપાના વારસોને જે નુકસાન જાય તે પૈસાથી ભરપાઇ ના થઇ શકે : હાઇકોર્ટ

જસ્ટિસ એમ.આર.શાહે તેમના ચુકાદામાં એવુ અવલોકન કયું હતુ કે, અદાલત સમક્ષ એવા મહત્વના પ્રશ્નો ઉપસ્થિત કરાયા છે કે શું જલારામ બાપાના વારસોની મંજુરી કે ઇચ્છા વિરૂદ્ધ જલારામ બાપા પર આવી ફિલ્મ બનાવી શકાય? અને આવી ફિલ્મને રિલીઝ કરવાની મંજુરી આપી શકાય ?
તમામ પાસાઓ અને કેસની સઘળી હકીકતો ધ્યાને લેતા જણાય છે કે, જો વારસોને ફિલ્મ પર રોક લગાવતી રાહત ન અપાય તો તેઓને પૈસાના સ્વરૂપમાં પણ ભરપાઇ ન કરી શકાય તે પ્રકારનું નુકસાન સહન કરવુ પડશે. જલારામ બાપા જેવી મહાન વિભૂતિના જીવનચરિત્રને ત્રાહિત વ્યકિત દ્વારા તેમના અંગત હિત માટે વટાવી શકાય નહી એ મતલબની વારસોની દલીલ નહી માનવાને પણ કોઇ કારણ નથી. આ સંજોગોમાં વારસોને ફિલ્મના રિલીઝ પર મનાઇ ફરમાવતી રાહત આપવાનો આ યોગ્ય કેસ છે.

No comments:

Post a Comment