રાજકોટ શહેરની હદમાં જુદા જુદા પ્રકારના વ્યવસાય કરતી વ્યક્તિઓ પાસેથી વ્યવસાય વેરા વસૂલવા માટે મહાપાલિકાને સત્તા મળી એ બાદ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા મહા પાલિકાને સોંપાયેલી ૪૦ હજાર કરતા વધુ વ્યવસાયીઓની યાદીમાં જબરું ભોપાળું નીકળ્યું છે. સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અપાયેલી સૂચિમાંથી ૮૦ ટકા લોકોનો કોઇ પત્તો નથી. કેટલાકે પોતાનો વ્યવસાય જ બદલી નાખ્યો છે. હવે, મહા પાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો ત્યારે નવા વ્યવસાયીઓની નોંધણી થઇ છે. સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા જે યાદીની સોંપણી કરવામાં આવી એ પૈકી મોટા ભાગના વ્યવસાયીઓના નામ સરનામા અથવા તો માલિકો બદલી ગયા હતા. વળી, જે રેકર્ડ સોંપવામાં આવ્યું એમાંથી વ્યવસાય વેરાના ચલણની કોપી અને રજિસ્ટ્રેશન અંગેનું ફોર્મ જ મળી આવ્યું હતું. ઉમ્મિદ યોજના હેઠળ તાલીમ પામેલા યુવાનોની પાસે આ વ્યવસાયીઓની ખરાઇ કરવા અને નવા શોધવા માટે સર્વે કરાવ્યો એ બાદ વ્યવસાયીઓની સંખ્યા ૪૦ હજારથી ૭૧૨૫૪ સુધી પહોંચી ગઇ છે.
વર્ષ ૨૦૦૭-૦૮માં વ્યવસાય વેરાની રૂ. ૩૦ લાખની આવક હતી તે રૂ. ૫.૬૦ કરોડને આંબી ગઇ છે. વ્યવસાય વેરાની આવક ઝોન વાઇઝ જોવામાં આવે તો, નવા વ્યવસાયી તથા નોકરીદાતાઓનું પ્રમાણ પશ્ચિમ ઝોનમાં પણ વધતું જાય છે આમ છતાં, સૌથી વધુ વ્યવસાય વેરો મઘ્ય ઝોનમાંથી મળે છે.
વર્ષ ૨૦૦૮-૦૯માં સેન્ટ્રલ, વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાંથી મળેલો વ્યવસાય વેરો અનુક્રમે ૩.૨૮ કરોડ, રૂ. ૬૫ લાખ તથા રૂ. ૬૧ લાખ હતો. ચાલુ વર્ષમાં અત્યાર સુધી પશ્ચિમ ઝોનની રૂ. ૮૯,૨૨,000ની આવક થઇ છે. નવી નોંધણી ઉપરાંત નોકરીદાતા એકમો તથા વ્યવસાયીઓનું એ તરફ સ્થળાતંર પણ કારણભૂત ગણવામાં આવે છે.
દરજી, લુહાર, વાણંદ પણ વ્યવસાય વેરો ભરવા જવાબદાર
વ્યવસાય વેરા અધિનિયમ ૧૯૭૩ સુધારા હેઠળ લુહાર, ફેબ્રિકેશન, સુથાર-ફર્નિચર, વાણંદ, સોના-ચાંદી કામ, ફલોર મિલ, બ્યુટી પાર્લર વગેરે વ્યવસાય કરતા લોકો માટે કોઇ જોગવાઇ નથી. તેને અન્યોમાં સમાવેશ કરવા માટે મહા પાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.
સર્વિસ ટેક્સ વિભાગ શું કરતો હતો ?
માત્ર એક જ વર્ષમાં મનપાએ વ્યવસાય વેરાની આવક કરોડોમાં રળી બતાવતા એ વાત તો સાબિત થઇ ગઇ કે, સર્વિસ ટેક્સ વિભાગ અત્યાર સુધી ઘોરતો હતો. કામગીરીના અભાવના કારણે જ સરકારને અત્યાર સુધી કરોડોની ખોટ ગઇ છે. માર્ચ-૨૦૦૮થી તમામ આવક મનપાને સોંપાતા તેની કિંમત સમજાઇ છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment