મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ગરીબને દેવાના ડુંગરમાંથી મૂક્ત કરવા આ કલ્યાણ મેળો છે. ગરીબને મૂસીબતમાંથી બહાર લાવવા સરકારી મદદરૂપે હક્કો તેના હાથમાં મૂકયા છે અને હવે સરકાર ગરીબી સામે લડવા ગરીબને શક્તિશાળી જોવા માંગે છે. તેમણે જણાવ્યું કે દરેક જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં કરોડો રૂપિયા સીધા ગરીબના હાથમાં આવશે ત્યારે જિલ્લે-જિલ્લે તેનો પ્રભાવ અર્થ તંત્ર ઉપર વિધેયાત્મક રીતે પડવાનો છે. ગરીબી સામે લડવા માટે ગરીબને નવી શક્તિ આપનારા મુખ્ય મંત્રી પ્રેરિત ગરીબ કલ્યાણ મેળાની પ૦ શ્રેણીનો આજે સાબરકાંઠા જિલ્લ્લામાં બીજો રાઉન્ડ મોડાસામાં યોજાયો હતો જેમાં મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર, મેધરજ અને તલોદ તાલુકાઓમાંથી ૪૮ર૯૦ લાભાર્થીઓને રૂ. ૩ર.પ૦ કરોડની મદદ મુખ્ય મંત્રી અને અન્ય મંત્રીઓએ હાથોહાથ આપી હતી. આ પ્રસંગે મોડાસામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. ખૂલ્લી જીપમાં વિરાટ જનસમૂદાયનું અભિવાદન કરતાં મોદીએ જણાવ્યું કે આઝાદીના છ દાયકા વીતી ગયા. સરકારો તથા નેતાઓ ગરીબો માટે પીડા વ્યકત કરી આંસુ સારતા રહ્યા અને ગરીબીમાંથી ઉધ્ધાર થશે એવી આશામાં ગરીબોની બે-બે પેઢી ગરીબીના ખપ્પરમાં હોમાઇ ગઇ. આ સરકાર ગરીબના ચહેરા ઉપર આનંદની લકીર જોવા માંગે છે, હિન્દુસ્તાન આ સ્થિતિ લાવે કે ના લાવે, ગુજરાત સરકાર આ ગરીબીને નેસ્ત નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે એમ તેમણે જણાવ્યું હતું. આ સરકારી મદદ આપવા માટે કોઇ ઉપકાર કરવા કે ઉપદેશ આપવા હું આવ્યો નથી- ગરીબી સામે લડવાની શક્તિના ગરીબમાં મને દર્શન થયાં છે અને તેને મૂસીબતોમાંથી અને ગરીબીમાંથી બહાર લાવવો છે . કોઇ ગરીબ દેવાદાર રહેવા નથી માંગતો પણ દેવાના ડુંગર નીચે દબાયેલો ગરીબ સરકારી મદદ લઇને હવે મહેનત પસીનો વહાવીને ગરીબી સામે લડવા શક્તિમાન બનશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાના બંને રાઉન્ડ સાબરકાંઠાએ પૂરા કર્યા છે અને હિંમતનગર તથા મોડાસામાં થઇને ગરીબી રેખા નીચે જીવતા જિલ્લાના કુલ એક લાખ કરતાં વધારે કુટુંબોને એકંદરે રૂ. ૧૦૦ કરોડથી વધુ નાણાંકીય લાભો સરકારી સહાયરૂપે મળ્યા છે. આ બધા જ નાણાં ગરીબના ધરમાં જશે અને ગરીબની તાકાત વધશે તો તેનો પ્રભાવ સમગ્ર સાબરકાંઠાના અર્થતંત્ર અને આર્થિક પ્રવૃત્તિ ઉપર પડશે. મોદીએ જણાવ્યું કે ગરીબના નામે મતોના રાજકારણથી ભૂતકાળમાં ચૂંટણી આવે ત્યારે ગરીબોના મેળા યોજીને વચનોની લહાણી થતી, સરકારની યોજનાઓ, બજેટો, જાહેરાત થતી અને ગરીબ સુધી તેનો પ્રવાહ કયારેય પહોંચતો જ નહીં. આ રાજકારણનું ધુપ્પલ મીટાવી દેવા, ગરીબના હક્કનું છીનવી લેનારા વચેટીયાને સીધા દોર કરવા અને ગરીબોનું લૂંટનારી કટકી કંપનીનો ખાત્મો બોલાવી દેવા આ સરકારે લાલ આંખ કરીને ગરીબ કલ્યાણ મેળા થકી ત્રીજું નેત્ર ખોલ્યું છે એમ તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું. હવે કોઇ વચેટીયો ગરીબ પાસે જઇને તેના હક્કનું પડાવી લેવાનો પેંતરો કરે કે કોઇ લાભાર્થીને હલકી વસ્તુ-સાધન સહાયરૂપે મળે તો તેની ફરિયાદ એક પોસ્ટકાર્ડ લખીને મુખ્ય મંત્રીને, ગાંધીનગર મોકલજો, અમે આવા તત્વોને સીધા દોર કરી દઇશું, આ ગરીબને આર્થિક પ્રવૃતિમાં સક્ષમ બનાવવા માત્ર સહાય નહીં, તાલીમ, શિક્ષણ, સાધનો આપીને વ્યવસ્થામાં પગભર બનાવ્યો છે તેની અનેકવિધ સંકલિત યોજનાઓની વિગતો મોદીએ આપી હતી. આખા ગુજરાતમાં એક લાખ જેટલા સખી મંડળોમાં લાખો ગ્રામનારી ગૃહિણીઓ આર્થિક પ્રવૃતિમાં નેતૃત્વ લઇને વર્ષે રૂ. ૪૦૦ કરોડનું નાણાંકીય સંચાલન કરતી થઇ છે એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.ગરીબની બેલી આ સરકારે જન્મથી મરણ સુધી તેની પડખે ઉભા રહેવાની વ્યવસ્થા કરી છે. માંદગી, રોગ, પ્રસૂતિ, કુપોષણથી પીડાતા ગરીબ પરિવારમાં સહાય કરવા આ સરકાર રાત-દિવસ ચિન્તા કરી રહી છે. ગરીબી સામે લડવાની દ્રષ્ટિ આ સરકારે આપી છે એમ તેમણે જણાવ્યું હતું. આ સરકાર ગરીબને આત્મવિશ્વાસ આપવા માંગે છે. ગરીબોને શક્તિ આપે છે ત્યારે મોંધવારીએ કાળો કેર સર્જ્યો છે. ગરીબની આંતરડી કકળાવીને કોઇ સુખી રહેવાનું નથી એ વાત કેન્દ્રની સરકાર સમજે અને દેશની જનતા એ માટે સબક શીખવાડે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, વચેટીઆઓને દૂર કરીને ગરીબોને લાભ મળે તેવા આશયથી આ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન હાથ ધરાયું છે. ગરીબોને પ્લોટ-આવાસથી માંડીને તેમના જીવન ઉત્કર્ષ માટે સંખ્યાબંધ યોજનાઓ આ સરકારે અમલી બનાવી છે. વિધવા બહેનો-ગરીબ બહેનો પગભર થઇ શકે તેવી યોજના અમલી બનાવી છે. અત્યાર સુધી ૪૦ હજાર વિધવા બહેનોને તાલીમ તથા સાધન-સહાય આપીને પગભર બનાવાઇ છે. મહિલાઓ સ્વાભિમાનપૂર્વક જીવી શકે, ગરીબ બાળકો સારૂં શિક્ષણ મેળવી શકે તે માટે પણ કામગીરી હાથ ધરાઇ છે. મહિલાઓની બચત પ્રવૃતિને પ્રોત્સાહન આપી સખી મંડળોની રચના કરાઇ છે. રાજ્યમાં ૧.-૪ર લાખ સખી મંડળો બનાવી રૂ. ૩૦૦ કરોડથી વધુ રકમ અપાઇ છે જેના દ્વારા મહિલાઓ સ્વનિર્ભર બની છે. ચિરંજીવી યોજના અમલી બનાવી રાજ્યમાં ર.પ લાખ સંસ્થાકીય પ્રસુતિ કરાવીને માતા-બાળ મૃત્યુ દર ધટાડવાનું પ્રશંસનીય કામ આ સરકારે કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લાના પ્રભારી અને આદિ જાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, જિલ્લામા ૧૩ લાખ લિટર પ્રતિ દિન દૂધ એકત્રીકરણ થાય છે. જિલ્લામાં પાકતા ફુલો વિદેશ જાય છે. જિલ્લાનો સામાજિક-આર્થિક-ઔઘોગિક વિકાસ થાય તેવો અભિગમ રાજ્ય સરકારે રાખ્યો છે. અગાઉની સરકારોએ કુલ ૧ર,પ૦૦ કરોડ રૂ. આદિવાસીઓ માટે ફાળવ્યા છે. જ્યારે આ સરકારે રૂ. ૧પ હજાર કરોડ માત્ર પાંચ વર્ષમાં ફાળવ્યા છે. જિલ્લાને સુજલામ સુફલામ યોજના હેઠળ લાભ મળે તેવા પ્રયાસો કર્યા છે. તેમણે ગરીબોને ગરીબીમાંથી મુકત કરવાનો સેવા યજ્ઞ આ સરકારે હાથ ધર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. શિક્ષણ રાજ્ય મંત્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું કે, ગુજરાત સરકાર સાચા અર્થમાં ગરીબોની બેલી પૂરવાર થઇ છે. રાજ્યના તમામ બાળકો શિક્ષણ મેળવે-કન્યા કેળવણી વ્યાપક બને-કોમ્પ્યુટરનું જ્ઞાન વધે-ટેકનિકલ શિક્ષણ વધે અને યુવાનોને રોજગારી મળે તે માટે અગાઉ શિક્ષણના બજેટમાં રૂ. ૧૩૬૬ કરોડથી વધારીને વર્ષે ર૦૦૯-૧૦માં રૂ. ૧૬૦૦ કરોડની જોગવાઇ કરી છે. ડ્રોપ-આઉટ રેશીયો ધટયો છે. તમામ શાળાઓમાં કોમ્પ્યુટર, શાળાના બાળકોને મફત પુસ્તકો જેવી યોજનાઓ અમલી બનાવાઇ છે. રાજ્યના ૩૦ વિકાસશીલ તાલુકામાં રહેતી અને તબીબી અભ્યાસક્રમમાં ભણતી દીકરીઓને વિશેષ સુવિધા અપાય છે. સાબરકાંઠાના સાંસદ ર્ડા. મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગરીબો પ્રત્યેની સંવેદનામાંથી ગરીબ કલ્યાણ મેળાનો જન્મ થયો છે. આઝાદીના આટલા બધા વર્ષો પછી દેશમાં સમાજવાદ-રામરાજ્ય સ્થપાશે તેવી કલ્પના સાકાર થઇ નહીં. દેશમાં પ્રતિદિન રૂ. ર૦/- મેળવનારો બહોળો વર્ગ છે ત્યારે ગુજરાતમાં ગરીબોના ધરમાં કલ્યાણ દીપ પ્રજવલિત થાય તેવો આ મેળાનો આશય છે. એમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લાની ઉઘોગ અને સિંચાઇની અપેક્ષા સંતોષવા ગુજરાત સરકારે હાથ ધરેલા પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા.મુખ્ય મંત્રીએ આરોગ્ય, ડાયરી કેલેન્ડરનું વિમોચન પણ આ પ્રસંગે કર્યું હતું. મોડાસાના ધારા સભ્ય દીલીપસિંહ પરમારે સ્વાગત પ્રવચનમાં ગરીબ કલ્યાણ મેળાનો ઉદેશ સમજાવતા જણાવ્યું હતું કે ગરીબોને તેમના હક્ક હાથોહાથ આપવા માટે આ મેળો યોજાય છે. તેમણે જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસ-કલ્યાણ કામોની રૂપરેખા આપી હતી. શહેરી વિકાસ મંત્રી નિતીનભાઇ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ફકીરભાઇ વાધેલા, આરોગ્ય મંત્રી જયનારાયણભાઇ વ્યાસ, પરબતભાઇ પટેલ, ધારાસભ્યો પ્રફુલભાઇ પટેલ, ઉદેસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ વસ્તાભાઇ મકવાણા, જિલ્લા ભાજપા પ્રમુખ પૃથ્વીરાજભાઇ પટેલ, વિવિધ નગર પાલિકાઓના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ-અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદાની જળ શક્તિથી વાત્રક-મેશ્વો-માઝૂમ જળાશયો ભરાશે. નર્મદા પાઇપ લાઇનનો રૂ. પપ૦ કરોડનો પ્રોજેકટ : મુખ્ય મંત્રી
મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ, સાબરકાંઠામાં નર્મદા જળ શક્તિથી રૂ. પપ૦ કરોડના ખર્ચે વાત્રક, માઝૂમ અને મેશ્વો જળાશયો ભરવાના મહત્વાકાંક્ષી પ્રોજેકટ મંજૂર થયાની જાહેરાત મોડાસામાં કરી હતી. તેમણે જણાવ્યું કે, નર્મદાની મુખ્ય નહેર દ્વારા સાબરકાંઠાના જળાશયો ભરવાની ઉદ્દવહન સિંચાઇ યોજનાઓનો આ પ્રોજેકટ ત્રણ વધુ જળાશયોને આવરી લેશે અને નર્મદાની ૭ ફૂટ વ્યાસ ધરાવતી ૧૩૦ કી.મી.ની પાઇપલાઇન માઝમ, મેશ્વો અને વાત્રક જળાશયો ભરવા માટે નંખાશે જે સાબરકાંઠાની ધરતીને લીલીછમ બનાવી દેશે. આ પ્રોજેકટના ટેન્ડર મંજૂરી પ્રોસેસના કામો પ્રગતિમાં છે, એમ તેમણે જણાવ્યું હતું.
18 January 2010
ગુજરાતે ગરીબી સામે લડાઇ શરૂ કરી દીધી છે : મોદી હિન્દુસ્તાનમાં બીજે ક્યાંય ગરીબી સામે કોઇ લડાઇ કરે કે નહીં ગુજરાતે ગરીબી સામે લડાઇ શરૂ કરી દીધી છે- નરેન્દ્ર મોદી ગરીબ પરિવારને દેવામાંથી મૂક્ત કરવાનો અવસર ગરીબ કલ્યાણ મેળો છે કોઇ વચેટીયાને ઉપરવાળાના નામે માંગે તો કાણી પાઇ પણ પરખાવતા નહીં - મુખ્ય મંત્રીની અપીલ છ તાલુકાના ૪૮,ર૯૦ લાભાર્થીઓને રૂ. ૩ર.પ૦ કરોડના સાધન-સહાયનું વિતરણ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment