22 January 2010

મહા નગર પાલિકા ના ટેક્સ વિભાગે મૂંડાવ્યું

મહા નગર પાલિકાની ટેક્સ શાખાની કામગીરી અત્યંત કંગાળ હોવાનું ચિત્ર છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી બજેટ બેઠકમાં ઉપસ્યું છે. ૦૯-૧૦ માટે અપાયેલા ૧૨૫ કરોડના લક્ષ્યાંક સામે ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ શાખાની આવક માત્ર ૯૭થી ૯૮ કરોડ આસપાસ પહોંચી છે. આગામી બે માસમાં બાકી રહેતી ૨૭ કરોડની રકમ ઉઘરાવવા ટેક્સ શાખાને તાકીદ કરવામાં આવી છે.

નોંધનીય છે કે કરની મળેલી રકમમાં પણ નગર જનો પોતાની જાતે આપી ગયેલી રકમ નોંધપાત્ર છે. આ અંગે મનપાના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મનપાની ટેક્સ બ્રાંચને ચાલુ નાણાકીય વર્ષ માટે ૧૨૫ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક ગત બજેટમાં અપાયો હતો. પરંતુ, રેઢિયાળ અને નબળી કામગીરીને કારણે વર્તમાન નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં રજાઓને બાદ કરતા બે માસ જેવો સમય પણ માંડ રહ્યો હોવા છતાં કુલ આવક ૧૦૦ કરોડ પર પણ પહોંચી નથી. ટેક્સ બ્રાંચની નબળી કામગીરી અંગે બજેટ બેઠકમાં મ્યુ. કમિશનર બ્રહ્મભટ્ટ દ્વારા પણ નારાજગી વ્યકત કરવામાં આવી હતી. ટેક્સ શાખાના ઉપસ્થિત અધિકારીઓને નિયત સમયમાં જ લક્ષ્યાંક સિઘ્ધ કરવા મ્યુ. કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ટેક્સ શાખા દ્વારા બાકીદારો પાસે ઉઘરાણી કરવાને બદલે માત્ર હાકલા-પડકારા જ કરવામાં આવે છે. એટલું જ નહીં નાણાકીય વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે પણ હજુ તો નોટિસો ઇસ્યૂ થઇ રહી છે.

લક્ષ્યાંક મેળવવા ત્રણે ઝોનની એસ્ટેટ શાખા દ્વારા કવાયત

મનપાની સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોન એસ્ટેટ શાખાને ૨.૪૦ કરોડનો ટાર્ગેટ અપાયો હતો. જેમાં હોર્ડિંગ્સની આવક ર કરોડ, હોકર્સ ઝોનના ૨૫ લાખ, વહીવટી ચાર્જ (મંડપ-કમાન)ના ૧૦ લાખ તથા જમીન ભાડાની ૫ લાખની આવકનો સમાવેશ થાય છે. એસ્ટેટ શાખા દ્વારા શરૂઆતથી જ સરેરાશ જાળવી રાખવા પ્રયત્ન હાથ ધરાયા હતા. ૨૦ જાન્યુઆરી સુધીમાં હોર્ડિંગ્સની ૧.૪૦ કરોડ, હોકર્સ ઝોનની ૨૦ લાખ, જમીન વહીવટી ભાડા પેટે ૩.૫૦ લાખ અને વહીવટી ચાર્જની ૮ લાખ મળી કુલ બે કરોડ ૧૦ લાખ આસપાસ આવક થઇ છે અને ૩૧ માર્ચ સુધીમાં બાકી રહેતી ૩૦ લાખની રકમ ઉઘરાવી લઇ ટાર્ગેટ પૂર્ણ કરાશે.

બે માસમાં જ ૫૦ કરોડની ટેક્સ શાખાની આવક; બાકી આરામ

ટેક્સ શાખાની રેઢિયાળ અને નબળી કામગીરી ઉડીને આંખે વળગે એવી છે, કેમ કે બે વર્ષથી ૦૮/૦૯ તેમજ ૦૯-૧૦માં મનપા દ્વારા નાગરિકોને પ થી ૧૦ રિબેટની યોજના મે અને જૂનમાં અમલમાં મુકાય છે અને આ બે માસમાં જ નાગરિકો દ્વારા આશરે ૪૫થી ૫૦ કરોડની રકમ સામેથી ભરી દેવામાં આવે છે. આમ, ટેક્સ શાખા દ્વારા બાકીના નવ માસમાં માત્ર અને માત્ર ૪૫ થી ૪૮ કરોડની જ ઉઘરાણી કરવામાં આવી છે.

No comments:

Post a Comment