22 January 2010

અધિકારીઓ માટે ૨૦૧૦ની શરૂઆત ભારે આકરી

વર્ષ ૨૦૧૦ની શરૂઆત ભ્રષ્ટ સરકારી બાબુઓ માટે આકરી સાબિત થઇ છે. વર્ષના પ્રારંભના ૨૦ જ દિવસમાં લાંચ, ઉચાપત સહિતના અલગ અલગ ૧૨ કેસમાં રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા સહિતના ૨૧ અધિકારી, કર્મચારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ન્યાયતંત્રએ આકરુ વલણ અપનાવતા લાંચિયા સરકારી બાબુઓ ફફડી ઊઠ્યા છે.

પ જાન્યુઆરી :- જમીન કૌભાંડમાં ભૂજના તત્કાલિન કલેકટર પ્રદીપ શર્માની ધરપકડ

ભૂકંપ પછી અસરગ્રસ્તોને જમીન ફાળવવાની પ્રક્રિયામાં થયેલા કૌભાંડમાં ભૂજના તત્કાલિન કલેકટર અને ભાવનગર મ્યુનિસિપલ કમિશનર પ્રદીપ શર્માની ૬ જાન્યુઆરીએ રાતોરાત ધરપકડ કરવામાં આવી હતી. રાજયના ઇતિહાસમાં સનદી અધિકારીની ધરપકડના પ્રથમ બનાવથી સનદી અધિકારીઓ સ્તબ્ધ બની ગયા છે.

એકસાઇઝના ત્રણ અધિકારી ૧ લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયા

ભૂજની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ઓડિટ માટે ગયેલા સેન્ટ્રલ એકસાઇઝ (રાજકોટ વિભાગ) ના ત્રણ અધિકારી ચિંતન વર્મા, આર. એમ. પટેલ અને ડી. બી. રાવલ વેપારી પાસેથી રૂ. ૧ લાખની લાંચ લેવાના છટકામાં ઝડપાઇ ગયા હતા. ચિંતન વર્માને તો અગાઉ પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા !

રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જૂનાગઢ એલસીબીના પી. આઇ. ઝાલા સસ્પેન્ડ

જૂનાગઢ એલ.સી.બી.માં ફરજ બજાવતા પી. આઇ. જે. કે. ઝાલાને તેમની કારકિર્દીમાં બે વખત રાષ્ટ્રપતિ ચંદ્રક અપાયા છે. થોડા સમય પહેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય માધુભાઇ બાબરિયા (ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના શ્વસુર) ને ઊના પોલીસે દારૂ સાથે અટકાવ્યા હતા. ત્યારે પી. આઇ. ઝાલાએ બાબરિયાને નહીં પકડવા માટે ઊના પોલીસને ભલામણ કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવાયા હતા.

૧ જાન્યુઆરી : - સમગ્ર તબીબી જગતને કલંકિત કરે એવી ધ્રુણાસ્પદ ઘટના જામનગરની સરકારી હોસ્પિટલમાં બની હતી. એક સગર્ભા દર્દીની છેડતી કરવા બદલ જામનગર જી. જી. હોસ્પિટલના સરકારી તબીબ વૈભવ ભીંદર દેવ સસ્પેન્ડ કરાયા.

૧ જાન્યુઆરી :- હપ્તો નહીં આપનાર વૃઘ્ધ વેપારી ઉપર હુમલો કરી વેપારીના મોત માટે જવાબદાર રાજકોટ મનપાની એસ્ટેટ શાખાના ચાર અધિકારી જગદીશ છાવિયા, સુરેશ કટારિયા, ભરત ચૌહાણ અને અજય પરમારની ધરપકડ

૨ જાન્યુ. :- નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી (સુરેન્દ્રનગર) ના બે કારકૂન મહેન્દ્ર ભાનુશંકર ત્રિવેદી અને શ્યામ સુંદર વિરુઘ્ધ ૧૯૯૧માં ઉચાપતની ફરિયાદ થઇ હતી. ગ્રામ્ય વિસ્તારમાંથી પાણીવેરાની વસૂલાતનું કામ સંભાળતા બન્ને કલાર્ક રૂ. ૩૦ હજાર સરકારી તિજોરીમાં જમા કરવાના બદલે ઘરભેગા કરી દીધા હતા. ૧૯ વર્ષ પછી કેસના ચૂકાદામાં અદાલતે બન્નેને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

૬ જાન્યુઆરી :- ભૂજની ખાસ પાલાર જેલના ત્રણ સિપાહી રહિમખાન પઠાણ, મહેશ વોરા અને ધર્મેન્દ્ર ઝાલા સસ્પેન્ડ, જેલ બંધ થયા પછી સિપાહી રહિમની પત્ની, સાળી, સાઢુ અને સંતાનો અંદર ઘૂસી ગયા હતા.

૧૩ જાન્યુઆરી :- ૯.૧૮ લાખની ઉચાપતના કેસમાં જસાધાર રેન્જના તત્કાલિન આર. એફ. ઓ. બી. જે. વાઢેરની ધરપકડ

૧૪ જાન્યુઆરી :- સર્વ શિક્ષણ અભિયાનની ગ્રાન્ટમાંથી ૩ હજારની લાંચ માગનાર કુતિયાણાના બી. આર સીના કો. ઓર્ડિનેટર અરવિંદ નરોતમ પંડ્યા લાંચ લેતા સપડાયા

૧૫ જાન્યુઆરી :- ગોંડલ તાલુકા પોલીસના ક્રાઇમ રાઇટર હેડ કાનજી નાથા ભાલિયા સામે ૨૧ લાખની ઉચાપતની ફરિયાદ ૧૯૯૦ થી ૨૦૦૪ સુધીના ફરજ કામમાં લાખોનો મુદ્દામાલ ઘરભેગો કરી દીધો હતો.

૧૬ જાન્યુઆરી :- કેશોદના બામણસા ગામે ત્રણ વર્ષ પહેલાં યુવાનની હત્યા કરવાના ગુનામાં કોન્સ્ટેબલ કામા હમિર, તલાટીમંત્રી મુળુ, મારખી સહિત ત્રણ આરોપીને આજીવન કેદની સજા

૧૯ જાન્યુઆરી :- મોરબીના મહિલા મામલતદાર દમયંતી બેન વતી ૧૫ હજારની લાંચ લેવા ગયેલા ઇ-ધરાના નાયબ મામલતદાર રામજીભાઇ ભીમજીભાઇ પરમાર લાંચના છટકામાં પકડાયા.
સરકારી તંત્રના દરેક વિભાગમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. છતાં આવા લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ સામે અત્યાર સુધી કોઇ નક્કર પગલાં લેવાયા ન હતા. પરંતુ, દરેક માનવીએ પોતે કરેલા કર્મોના ફળ વહેલા કે મોડા ભોગવવા જ પડે છે. કર્મના આ સિઘ્ધાંત મુજબ ૨૦૧૦ની શરૂઆત ભ્રષ્ટ સરકારી બાબુઓ માટે આકરી સાબિત થઇ છે.

No comments:

Post a Comment