લોધિકાના જશવંતપુરની સીમમાંથી રાજકોટના આહીર યુવાનની લાશ મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા હત્યારાઓએ અકસ્માતની એલીબી ઊભી કરી હતી. જો કે બોથડ પદાર્થના ઘા ઝીંકી અથવા મોટા વાહનનું વ્હીલ ફેરવી યુવાનને કચડી નખાયો હતો.
રાજકોટના મવડી વિસ્તારની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા આહીર દિલીપભાઈ હમીરભાઈ ડાંગર (ઉ.વ.૪૦) શુક્રવારે સાંજે પાડોશી પ્રભાતભાઈ ડાંગરનું નવું બાઈક લઈ ‘હમણાં આવું છું’ કહી ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત સુધી આ યુવાન પરત નહીં ફરતા ડાંગર પરિવારે શોધખોળ શરૂ કરી હતી પરંતુ કયાંય પતો લાગ્યો ન હતો. દરમિયાન જશવંતપુરની સીમમાં અજાણ્યા યુવાનની માથું છૂંદાયેલી લાશ પડી હોવાની શનિ વારે સવારે ગામના સરપંચ બાબુભાઈએ જાણ કરતા લોધિકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. એ વેળાએ શોધમાં નીકળેલા કેટલાક આહીર યુવાનો પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે લાશ દિલીપભાઈની હોવાનું ઓળખી બતાવ્યું હતું.
આહીર યુવાનનું માથું છૂંદાયેલું હતું તેના શરીર પર બાઈક પડેલું હોઈ અકસ્માતમાં મૃત્યુ થયાનું લોકોને પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું હતું. પરંતુ માથામાં ઈજા હતી અને માંસના લોચા દૂર-દૂર સુધી ઊડયા હોઈ યુવાનને બોથડ પદાર્થના ઘા ઝીંકાયાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. આહીર યુવાનને મરણતોલ માર મારી અધમૂવો કરી ત્યાર બાદ મોટા વાહનના વ્હીલ નીચે તેનું માથું છૂંદી નાખી બનાવને અકસ્માતમાં ખપાવવાનો હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો. ચાર ભાઈ અને એક બહેનમાં ચોથા દિલીપભાઈ પુષ્પક ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે કામ કરતા હતા તેમના મૃત્યુથી તેમના બે પુત્ર અને એક પુત્રીએ છત્ર છાંયા ગુમાવી છે. આહીર યુવાનને કોઈ સાથે દુશ્મનાવટ ન હતી તેમ ડાંગર પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું તો દિનેશભાઈને કોણે અને શા માટે રહેંસી નાખ્યા ? હત્યારા સુધી કે હત્યાના કારણ સુધી પહોંચાય તેવી એક પણ કડી પોલીસને હજુ સુધી મળી ન હતી. મૃતકના ભાઈ રામભાઈની ફરિયાદ પરથી લોધિકા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, એકાદ મહિના પૂર્વે દિલીપભાઈને અવધની વીડી પાસે કોઈની સાથે માથાકૂટ થઈ હતી. કોઈ શખ્સોએ આહીર યુવાનની કારના કાચ ફોડી નાખ્યા હતા અને તેના મોબાઈલનું કાર્ડ પણ પડાવી લીધું હતું. ઝઘડા બાદ યુવાને પોતાની કાર વેચી નાખી હતી. જો કે કોની સાથે અને શા માટે ઝઘડો થયો હતો તે અંગે દિલીપભાઈએ કોઈને જાણ કરી ન હતી એ ઝઘડો હત્યાનું કારણ છે કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.
માંસના લોચા દૂર સુધી ઊડયા
દિલીપભાઈની લાશ પડી હતી તેનાથી ઘણી દૂર સુધી માંસના લોચા ઊડયા હતા. આ યુવાનને બોથડ પદાર્થના ઘા ઝનૂનપૂર્વક મારવામાં આવ્યા હોય અથવા ભારે વાહન નીચે માથું છૂંદી નંખાયાની શંકા સેવાઈ રહી છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment