આજે મહા સુદ પાંચમ છે, જેને વસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. મા સરસ્વતીની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે લેખન-અઘ્યાપન-બૌદ્ધિક ક્ષેત્ર અને કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ સરસ્વતીની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે વસંત પંચમીએ રાજ્યમાં સૌથી વધુ લગ્નો થાય છે, પરંતુ આ વર્ષે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અસ્તનાં કમુરતાંને કારણે લગ્ન માટે વણ જોયા મુહૂર્તના દિવસે લગ્નનું મુહૂર્ત નથી. હવે છેક હવે ૧૫ મેથી લગ્નના મુહૂર્તો મળશે.
વસંત પંચમી વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધનાનો દિવસ છે. પ્રાચીન કાળમાં વસંત પંચમીથી પાંચ દિવસીય સરસ્વતી મહોત્સવ યોજવામાં આવતો હતો. વર્તમાન સમયમાં અનેક સંસ્કૃત પાઠ શાળાઓમાં સરસ્વતી ઉત્સવ મનાવવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોમાં કુમારિકાઓનું પૂજન સરસ્વતીરૂપે કરવામાં આવે છે. આ દિવસે સ્નાનાદિથી પવિત્ર થઈ પૂજા સ્થાને બેસીને સરસ્વતીની કૃપા મેળવવા માટે સરસ્વતી સ્તોત્ર અથવા ‘ઓમ્ વાગ્વાદિની વર વર પ્રસીદ પ્રસીદ ઓમ્ સ્વાહા’ મંત્રનો એકાગ્ર ચિત્ત થઈ જાપ કરવો. જ્યારે પરીક્ષામાં સફળતા માટે પરીક્ષાર્થીઓએ વસંત પંચમીએ સવારે ૬થી ૯ અથવા સાંજે ૬થી ૮ દરમિયાન સ્નાનાદિથી પવિત્ર થઈને મા સરસ્વતીનું સ્મરણ કરીને ધૂપ-દીપ કરવો અને ત્યારબાદ માતા-પિતા અને વડીલોને પગે લાગવું. પછી ‘ઓમ્ હ્રીં ઓમ્’ મંત્ર ૧૦૮ વખત શ્રદ્ધાપૂર્વક જપવો, જેથી મા સરસ્વતીની કૃપાથી સારું પરિણામ મળે છે.
નવું પુસ્તક લખવા કે વિદ્યાકીય કાર્યોના પ્રારંભ માટે ઉત્તમ દિવસ
એક જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, અઘ્યાપન, લેખન, બૌદ્ધિક ક્ષેત્રે તેમજ કળાક્ષેત્રે સંકળાયેલા લોકો માટે વસંત પંચમી ઉત્તમ દિવસ છે અને તેમણે પણ આ દિવસે સરસ્વતી દેવીની ઉપાસના કરવી જોઈએ. નવા પુસ્તક લખવાનો પ્રારંભ કે વિદ્યાકીય કાર્યોનો પ્રારંભ પણ ઉત્તમ મનાય છે. વસંત પંચમીના દિવસે ગણેશજી અને સરસ્વતીનું સ્મરણ કરવાથી લાભ થાય છે.
પ્રકૃતિ રંગીન વાઘા પહેરશે
મઘમઘતા વાસંતી વાયરાઓ શરૂ થઇ ચૂક્યાં છે. પાનખરમાં ઉજડાઇ ગયેલા વૃક્ષો પર સૌથી પ્રથમ અસર થઇ હોય એમ પ્રકૃતિએ નવા કલેવરો ધારણ કર્યા છે. આવા પ્રાકૃતિક તાદાત્મ્ય સાધવાના અવસર સમાન વસંત પંચમીની આજે ઉજવણી કરવામાં આવશે.
વસંત પંચમીને જ્ઞાન પંચમી તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષા પત્રી જયંતીની ઉજવણી કરશે. વસંત પંચમીથી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગે છે. ગરમી તથા તડકો પડવાની શરૂઆત થવા લાગે છે. જો કે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે હવે છેક વસંત પંચમીના નજીકના દિવસોમાં શિયાળાના અસલી મિજાજનો પરિચય થયો છે. વાસંતી વાયરા સમગ્ર પ્રકૃતિ પર આહ્લાદક અસર ઊભી કરે છે. માનવીનું મન પ્રફુલ્લિત થઇ ઉઠે છે. ગ્રામીણ જન જીવન ખેતરોમાં આવેલો પાક લેવામાં વ્યસ્ત થઇ જાય છે. આમ શ્રમ પૂજા પણ થઇ જાય છે. વસંત પંચમીએ જ્ઞાનપિયાસુઓ મા શારદાનું અનુષ્ઠાન, પૂજા અર્ચન કરશે. ભગવાન શ્રી સ્વામિ નારાયણએ સંવત. ૧૮૮૨માં વડતાલમાં મૂલ્યવાન ગ્રંથ શિક્ષા પત્રી રચના કરી હતી. એટલે ભક્તો શિક્ષા પત્રી જયંતી ઉજવશે. આવતી કાલે જમીન મકાનના સોદા થશે. કારોબારની શરૂઆત થશે રાજકોટમાં છેલ્લા આઠ જ દિવસમાં ૧૨૦૦ જેટલા દસ્તાવેજોની નોંધણી થઇ છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment