રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલમાં કેથ લેબનું ઉદ્-ઘાટન કરતાં ગુજરાતના વડી અદાલતના ન્યાયાધિશ કલ્પેશભાઇ ઝવેરીએ જણાવ્યું કે, આ હોસ્પિટલમાં શસ્ત્ર ક્રિયા સહિતની સેવાઓ સંપૂર્ણપણે વિના મૂલ્યે થાય છે તે આ યુગનો ચમત્કાર જ છે. પ્રાસંગિક ઉદ્-બોધનમાં તેમણે જણાવ્યું કે, અમેરિકામાં હૃદયની શસ્ત્ર ક્રિયાનો ખર્ચ ૧૦૦૦ ડોલર જેટલો અને ભારતમાં રૂ. બે લાખ જેટલો થાય છે. આટલો ખર્ચ સામાન્ય માનવી કે ગરીબ વર્ગના લોકો ખમી શકે તેમ નથી. આ લોકો માટે કોઇ વિશેષ આરોગ્ય વીમા યોજના પણ નથી અને હૃદય રોગનું પ્રમાણ સતત વધતું જાય છે. ત્યારે સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલે વિના મૂલ્યે સેવા પૂરી પાડીને સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ હોસ્પિટલ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર દર્દીઓની સેવા કરે છે.
સારા કાર્યમાં ભગવાન પણ મદદ કરે છે
આ પ્રસંગે એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ ભીમાણીએ આરોગ્ય, શિક્ષણ અને નિષ્ઠાનો શુભ સમન્વય કરી બતાવ્યો છે. આ હોસ્પિટલના સેવા કાર્યો અન્યો માટે પણ પ્રેરણાદાયી બની રહે છે. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ ભીમાણીએ કહ્યું કે, સત્ય સાંઇ બાબા સમાજને તબીબી સેવા, પાણી અને શિક્ષણ નિ:શુલ્ક મળવા જોઇએ એ વિચારધારાને માનનારા છે. રાજકોટમાં આ હોસ્પિટલ શરૂ કરવાનુ શ્રેય પૂ.સાંઇ બાબાને અને બીજો શ્રેય બરોડાના કનુભાઇ પટેલને જાય છે. તેમણે કહ્યું હતું કે, સંસ્થાનો સકસેસ રેશિયો અકલ્પય છે. અત્યાર સુધી કરોડોની કિંમતની શસ્ત્ર ક્રિયાઓ વિના મૂલ્યે થઇ છે અને થતી રહેશે. આ માનવતાનો ચમત્કાર છે એમ કહી એમણે ઉમેર્યું હતું કે,૨૦૧૧ની સાલમાં ગુજરાતમાં કોઇ દર્દી પૈસાના અભાવે મૃત્યુ ન પામે એ અમારું લક્ષ્ય છે.
આ પ્રસંગે ‘અકિલા’ના મોભી કિરીટભાઇ ગણાત્રા, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, તબીબો તથા એડવોકેટસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાર એસો. અને અન્ય સંસ્થાઓ દ્વારા એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી તથા જસ્ટીસ કલ્પેશભાઇ ઝવેરીનું સન્માન કરાયું હતું. પ્રારંભે બાળકોએ સુંદર ભકિત રચના રજૂ કરી હતી. આભારવિધિ ડો. સુષ્માબેને કરી હતી.
હોસ્પિટલ ચાલતી નથી, પૂરપાટ દોડે છે
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઇ ભીમાણીએ એક કિસ્સો યાદ કરતાં જણાવ્યું કે, અત્યારે ટ્રસ્ટો અને એન.જી.ઓ. પણ બિઝનેસ બન્યા છે. સન ૨૦૦૦માં આ હોસ્પિટલનું ઉદઘાટન થયું એ પ્રસંગે જાણીતા ઉધોગપતિ ગૌતમ અદાણીએ એવી ભીતિ વ્યક્ત કરી હતી કે, નિ:શુલ્ક સારવાર આપતી સંસ્થા ચાલી નહીં શકે. પરંતુ બે વર્ષ બાદ ગૌતમભાઇ ફરી હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે રૂ. દોઢ કરોડનું દાન આપીને જણાવ્યું હતું કે, હોસ્પિટલ ચાલતી નથી પણ દોડે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment