22 January 2010

ખંભાળિયા : ચીફ ઓફિસર જતા-જતા કળા કરી ગયા ?

ચાર દિ પૂર્વે ખંભાળિયાથી બદલી પામેલા નગર પાલિકાના ચીફ ઓફીસર જતા-જતા કળા કરી ગયાની ફરિયાદો ઉઠવા પામી છે. ખુરશી છોડતા પૂર્વે સી.ઓ.એ મધ રાત્રે અમુક બિલ્ડર લોબી સાથે સાંઠ-ગાંઠ રચી ભગવતી મીલની બહુચર્ચિત જગ્યામાં પાંચ-છ પાર્ટીઓને બાંધકામની મંજૂરી આપી દીધાની વિગતો બહાર આવી છે. સરકારી કાર્ય કાળના બાકી રહેલા માત્ર ૮ માસના ગાળાને ઘ્યાને રાખી સી.ઓ.એ સ્થાનિક નેતાગીરીને સાથે રાખી તગડું કૌભાંડ આચર્યુ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ કૌભાંડ અંગે જિલ્લા સ્તરે પુરાવા સહિત રજૂઆતો કરાતા ગુપ્તરાહે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં ખંભાળિયા પાલીકાના ચીફ ઓફીસર ડી.એસ. દવેની બદલી બગસરા ખાતે કરવામાં આવી છે. બદલી હુકમ મળ્યાની મધરાત્રી સુધી નગરપાલિકા કચેરી કાર્યરત રહી હતી. રાત્રે ૩ વાગ્યા સુધી કર્તવ્ય નિષ્ઠ ચીફ ઓફીસરે રહી-રહીને કાર્યકુશળતા પુરવાર કરી શહેરના વિકાસને અવરોધરૂપ ઢગલાબંધ ફાઇલોનો નિકાલ કરી નાખ્યો હતો. જો કે આ કામગીરીમાં બહુચર્ચિત અને અવાર-નવાર મીડીયામાં ચમકતી ભગવતી મીલ કમ્પાઉન્ડની જગ્યા પર અમુક આસામીઓને બાંધકામની મંજૂરી આપી દેવામાં આવી હતી. ભગવતી મીલ પ્રકરણ હાલ કોર્ટ મેટર બની ગઇ હોવા છતાં પણ બાંધકામની મંજૂરી આપી દેવામાં આવી છે. આધારભૂત સુત્રોના જણાવ્યાનુસાર બદલીની ગંધ આવી જતાં સી.ઓ.એ પાલીકાના બે-એક સક્રિય સદસ્યો અને હોદેદારોને સાથે રાખી ભગવતી મીલની જગ્યામાં બાંધકામની મંજૂરીની મહોર મારી અરજદાર બિલ્ડર લોબી સાથે વહીવટ કરી લીધાનું જણાવ્યું હતું. બદલીના હુકમ બાદ સી.ઓ.ની સહીથી છેલ્લી ઘડીના કામોને મામલે અમુક પ્રામાણીક નાગરિકોએ પુરાવા સાથે સ્થાનિક તથા જિલ્લા સ્તરે રજૂઆત કરી છે. નાગરીકોની રજુઆતો અને બદલીના હુકમ બાદ ચાર્જ છોડતા પહેલા ચીફ ઓફિસરે જે કોઇપણ ફાઇલોને મંજુરી આપી છે. તેની તંત્રએ ગુપ્ત રાહે તપાસનો ધમધમાટ આદરી દેતા ખંભાળિયામાં આ બાબત જાણકારોમાં ભારે ચર્ચાસ્પદ બની છે. તંત્રની તપાસમાં અનેક કૌંભાડો બહાર આવવાની સંભાવનાઓ પણ દર્શાવાય રહી છે.

હાઇ- વે હોટલમાં મિટિંગ યોજાઇ


ભગવતી મીલ કમ્પાઉન્ડમાં ઔધોગિક હેતુ બાંધકામની પરવાનગી માગનાર ચોકકસ બિલ્ડર લોબી અને ચીફ ઓફીસર તથા આ પ્રકરણમાં મહત્વની ભુમિકા ભજવનાર નગરપાલિકાના સક્રિય સદસ્યો વચ્ચે ખંભાળિયા-જામનગર ધોરી માર્ગ પર આવેલી એક હોટલમાં સમગ્ર ચોકો રચાયો હોવાનું જાણવા મળ્યું છે.

No comments:

Post a Comment