‘ચાર વર્ષ જવા દે, જોજે આ ઘરની બહાર ડો.શ્વેતા જોગી એવું નામ હશે. હું બધાને ભણવામાં પાછળ રાખી દઈશ.’ હજી આ શબ્દો અમદાવાદના ઘોડાસરમાં રહેતા અશ્વિનભાઈ અને તેમનાં પત્ની કામિની બહેનના કાનમાં અફળાય છે અને સાથે જ શરૂ થઈ જાય છે સ્મૃતિઓનો ઝંઝાવાત અને આંસુની ધારા. શ્વેતા તેમની બીજા નંબરની પુત્રી હતી અને ૨૬મી જાન્યુઆરી-’૦૧ના દિવસે ઘોડાસરમાં સ્વામીનારાયણ સ્કૂલની ઘટના બની તેમાં જે ૩૨ વિધાર્થીઓ હંમેશને માટે પૃથ્વીના પેટાળમાં પોઢી ગયા તેમાં શ્વેતા પણ હતી. કરુણતાની પરાકાષ્ઠા તો એ છે કે જે દિવસે શ્વેતાને તેના પિતાએ કાયમ માટે શ્વેત કફન ઓઢાડયું એ જ દિવસે તેનો તિથિ મુજબ જન્મ દિવસ પણ હતો. ધરતી કંપને આ ૨૬મીએ નવ વર્ષ પૂર્ણ થશે. હજી પણ શ્વેતાની વાત આવે અને એ દિવસનો ઉલ્લેખ થાય એટલે માત્ર પરિવાર નહીં પાડોશીઓ પણ આઘાતમાં સરી પડે છે. વીમા એજન્ટ અશ્વિનભાઈ અને કામિની બહેન કહે છે, ‘અમે એને સ્કૂલે મોકલવાના જ નહોતાં, એક દિવસ રજા હોય ને કયાં જવા દેવી? પણ બારણાની તિરાડમાંથી અજવાળું જોઈને તેણે કહ્યુ હતુ કે મારે જવાનું છે. આમ તેનો જન્મ દિવસ ૨૩મીએ પણ તિથિ મુજબ મહા સુદ બીજ એટલે એ દિવસે બર્થ ડે હતો. કેવો સરસ ડ્રેસ પહેરીને પોતે ગઈ, ૧૬ વર્ષ પૂર્ણ થયાં, ૧૭મું બેઠું હતું. તેની બહેન કોમર્સના છેલ્લા વર્ષમાં હતી. શ્વેતા કહેતી કે જોજો હું તો ડોકટર બનીશ, ચાર વર્ષ પછી ઘરની બહાર નામ હશે ડો. શ્વેતા.’ પરંતુ કુદરતે ધાર્યું તું કાંઈક જુદું, ડો. શ્વેતાને બદલે થઈ ગયું સ્વ.શ્વેતા! ‘મારી દીકરી જરા પણ જિદ્દી નહોતી, ૨૩મીએ કહ્યું કે જન્મ દિવસ છે, હોટેલમાં જઈએ. તેના પપ્પા કહે, ૨૬મીએ જઈશું, રજા છે ને, પણ મેં જ કહ્યું કે ના એણે મન કર્યું છે તો જઈએ. જો ન ગયા હોત તો તો કેટલો અફસોસ રહી જાત?’ તેવું કામિની બહેને સજળ નેત્રે કહ્યું. માતા-પિતા બંને આજે પણ શ્વેતાનાં સ્મરણોમાંથી બહાર નથી. તેઓ કહે છે, ટયૂશન વગર જ ભણતી અને ટીવી જોતાં જોતાં પણ ૭૫ ટકા લાવતી. મેચનો તો એટલો શોખ કે વાત ન પૂછો... અરે ઇન્ડિયાની ટીમ જો મેચ હારે તો શ્વેતા રડે, જમે પણ નહીં, પરંતુ કાળે એવી તો થપાટ મારી કે બસ આ પરિવાર પણ સંજોગો સામે મેચ હારી ગયો ને શ્વેતાની જેમ જ રડે છે.
અમને આનંદ કરતાં વિષાદ વધારે થયો
ઘોડાસર વિસ્તારની સ્વામીનારાયણ સ્કૂલ પાસે જ રહેતા નગીનભાઈ પટેલની પુત્રી સ્વાતિ પણ એ જ સ્કૂલમાં હતી. ૨૬મી જાન્યુઆરીએ ૨૦૦૧ના દિવસે આવેલાં ગોઝારા ભૂકંપમાં બીજા બધા કાંઈ વિચારે તે પહેલાં સ્વાતિ અને તેની સખી હેતલ દોડીને બહાર નીકળી ગયાં. બરાબર બંને નીચે આવ્યાં અને બિલ્ડિંગ પડયું. નગીનભાઈ કહે છે, આજે પણ સ્વાતિના બચવાની જેટલી ખુશી છે તેટલું જ દુ:ખ એ ૩૨ બાળકોનાં મૃત્યુનું પણ છે જ...
ભૂલવાની શક્તિ એ મોટું વરદાન
અશ્વિનભાઈ કહે છે કે, સહન કરવું પડે, દુ:ખ થાય પરંતુ અમારે શ્વેતાની ત્રણ બહેનોની જિંદગી સામે પણ જોવાનું હતું. મન કઠણ કરીને જીવ્યાં. ઇશ્વરે બધાને દુ:ખ ભૂલવાની જે શક્તિ આપી છે. કામિની બહેન કહે છે, હું તો માનું છું કે ઇશ્વર મોટો છે, તે જ દુ:ખની સાથે તે સહન કરવાની પણ ક્ષમતા આપે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment