20 January 2010

ઈન્ડિયન પ્રિમિયર લીગ -૩ પાક. ક્રિકેટરોની કોઈ લેવાલી નહીં પોલાર્ડ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને બોન્ડ માટે કોલકાતા નાઈટ રાઈડર્સે સર્વાધિક રૂ. ૩.૪૨ કરોડની બોલી લગાવી

આગામી ૧૨ માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈ.પી.એલ.) સિઝન-૩માં પાકિસ્તાનના એક પણ ક્રિકેટરની કોઈ લેવાલી નીકળી ન હતી. પાક.ના ફાંકડા ઓલ રાઉન્ડર શાહિદ આફ્રિદી સહિત કુલ ૧૧ ખેલાડીઓને હરાજી માટે ઊતારાયા હતા પરંતુ તેમનામાં કોઈ પણ ટીમે રૂચી દર્શાવી ન હતી. જો કે ખેલાડીઓ માટે મંગળવારે યોજાયેલી હરાજીમાં વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડ અને ન્યૂ ઝી લેન્ડના ઝડપી બોલર શેન બોન્ડ માટે સૌથી વધુ ૭,૫૦,૦૦૦ ડોલર(રૂ. ૩.૪૨ કરોડ)ની બોલી લાગી હતી જયારે પાકિસ્તાનના ખેલાડીઓને કોઈ ખરીદવા જ તૈયાર નહોતું. સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો ઝડપી બોલર કેમાર રોચ રૂ. ૩.૨૮ કરોડ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. મુકેશ અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે પોલાર્ડ માટે રૂ. ૩.૪૨ કરોડની બોલી લગાવી તેને પોતાની ટીમમાં સમાવ્યો હતો. શાહરુખની કોલકાતા નાઈટ રાઈડર્સે શેન બોન્ડને રૂ. ૩.૪૨ કરોડમાં ખરીદ્યો હતો. આ હરાજીમાં સામેલ એકમાત્ર ભારતીય ખેલાડી મહંમદ કૈફ માટે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમે ૨,૫૦,૦૦૦ ડોલર(રૂ.૧.૧૪ કરોડ)ની બોલી લગાવી તેને પોતાની ટીમમાં સમાવ્યો હતો. જો કે પ્રથમ રાઉન્ડમાં કૈફ માટે કોઈએ બોલી લગાવી નહોતી.
કોઈએ ખરીધા જ નહીં
હરાજીમાં કુલ ૧૩ ખેલાડીઓની જગ્યા માટે ૬૭ ખેલાડીઓને સમાવાયા હતા જેમાં પાકિસ્તાનના ૧૧ ક્રિકેટરો પણ હતા. આશ્ચર્યની વાત તો એ છે કે પાકિસ્તાનની ૨૦-૨૦ ટીમના કેપ્ટન શાહીદ આફ્રિદી સહિત ૧૧માંથી એકપણ ખેલાડીને કોઈ ખરીદનાર જ નહોતા મળ્યા. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના વેબલ હાઈન્ડસ, ડરેન ગંગા, રામ નરેશ સરવન, સુલેમાન બેન, શ્રીલંકાના ઉપુલ થરંગા, ચમારા સિલ્વા ઓસ્ટ્રેલિયાના ફિલિ પાઈજ, બ્રેડ હેડિન, જેસન ક્રેજા, ડગલસ બોલિંગર, ઈગ્લેન્ડના ગ્રીમ સ્વાન, દક્ષિણ આફ્રિકાના જોહાન વાન ડેર વાથ, ટ્રાયન હેન્ડરસન અને ન્યૂ ઝી લેન્ડના ગ્રાન્ટ ઈલિયટ માટે પણ કોઈએ બોલી નહોતી લગાવી.
પોલાર્ડ અને બોન્ડ માટે ટાઈ બ્રેકથી નિર્ણય
પોલાર્ડ માટે મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ જયારે બોન્ડ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, ડેક્કન ચાર્જર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે સર્વાધિક રકમ ૭,૫૦,૦૦૦ ડોલરની બોલી લગાવતા ટાઈ પડી હતી. ત્યાર બાદ આઈ.પી.એલ.ના ચેર મેન લલિત મોદીએ ફ્રેન્ચાઈઝીને વધારે બોલી લગાવવા કહ્યું હતું જેમાં પોલાર્ડ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને બોન્ડ માટે કોલકાતા નાઈટ રાઈડર્સે બાજી મારી હતી. જો કે ખેલાડીઓને ૭,૫૦,૦૦૦ ડોલર મળશે જયારે વધારાની રકમ આઈ.પી.એલ. ના ખાતામાં જશે.
સચિનના કહેવાથી પોલાર્ડને ખરીદ્યો
મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ જણાવ્યું કે પોલાર્ડને ટીમમાં સમાવવાનું સૂચન સચિન તેંડુલકરનું હતું. માસ્ટર બ્લાસ્ટરના આગ્રહના કારણે તેમણે પોલાર્ડ માટે સૌથી ઊચી બોલી લગાવી હતી.

IPLમાં વધુ એક અમદાવાદીની પસંદગી

હર્ષલ પટેલને મુંબઇ ઇન્ડિયન્સે આઠ લાખ રૂપિયાની બોલી સાથે ખરીદ્યો, સમાચાર મળ્યા ત્યારે હર્ષલ આરામથી ઊંઘી રહ્યો હતો

મંગળવારે મુંબઇ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગની ત્રીજી સિઝન માટે થયેલી હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સે અંડર-૧૯માં પ્રતિભાશાળી ઝડપી બોલર હર્ષલ પટેલની પસંદગી કરતાં આઇ.પી.એલ.માં વધુ એક અમદાવાદી ક્રિકેટર રમશે. આઇ.પી.એલ.ની પ્રથમ બે સિઝનમાં અમદાવાદના સ્ટાર રણજી ટ્રોફી ક્રિકેટરો પાર્થિવ પટેલ (ચેન્નાઇ સુપર કિંગ્સ), રાજસ્થાન રોયલ્સ તરફથી ઝડપી બોલર સિદ્ધાર્થ ત્રિવેદી, અમિત સિંઘ તથા બેટ્સમેન નિરજ પટેલ રમી ચૂકયા છે. આ તમામ ખેલાડીઓએ પ્રથમ બે સિઝનમાં પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન કર્યું હતું. મુંબઇ ઇન્ડિયન્સે હર્ષલને આઠ લાખ રૂપિયાની બોલી સાથે ખરીદ્યો છે. નોંધનીય છે કે હર્ષલના સાથી ખેલાડી તથા અંડર-૧૯ વર્લ્ડકપના સુકાની અશોક માનેરિયાને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીદ્યો છે.
વર્તમાન સમયમાં ન્યૂ ઝી લેન્ડ ખાતે રમાતા અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા હર્ષલ પટેલને જયારે આ સમાચાર મળ્યા ત્યારે તે ઊઘમાં હતો અને પ્રથમ તો તે આ બાબત માનવા તૈયાર નહોતો. હર્ષલના કોચ તારક ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતના ક્રિકેટ માટે આ આનંદની વાત છે કે આઇ.પી.એલ.માં આપણા વધુ એક ખેલાડીની પસંદગી થઇ છે. અંડર-૧૯ વર્લ્ડ કપમાં ૨૧મીએ ઇંગ્લેન્ડ સામેની મેચ બાદ કવાર્ટર ફાઇનલ મેચો શરૂ થઇ રહી હોવાના કારણે આઇ.પી.એલ.માં હર્ષલની પસંદગી સાચા સમયે થઇ છે. મને ખાતરી છે કે મુંબઇ ઇન્ડિન્સ ફ્રેન્ચાઇઝીએ હર્ષલ પર મૂકેલા વિશ્વાસને તે યથાર્થ સાબિત કરી આપશે. ગુજરાતના ઝડપી બોલર્સ સાથે બેંગલોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમીની મુલાકાત લઇ રહેલા રણજી ટીમના કોચ વિજય પટેલે પણ આનંદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે હર્ષલ પ્રતિભાશાળી ખેલાડી છે અને તે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇ.પી.એલ.-૩માં સારો દેખાવ કરવામાં સફળ રહેશે. વિશ્વ ભરના સ્ટાર ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ તેને ભવિષ્યમાં કામે લાગશે અને ગુજરાતને પણ ઉપયોગી બનશે.

No comments:

Post a Comment