આ એક એવા માણસની વાત છે જેને આ અવાજ ક્યાંય ચાલે નહીં તેમ કહીને એક વખત એક રેડિયો સ્ટેશનમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને નિર્માતાઓએ એવી ભવિષ્ય વાણી કરી હતી કે તાડ જેવો ઉંચો આ છોકરો ક્યારેય હિરો બની શકે નહીં. છતાં આ યુવાન હિંમત હાર્યો નહોંતો અને માન્યતાઓની ઝંઝીરને તોડી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. આપણે વાત કરી રહ્યા છીએ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની. આ એ જ અમિતાભ છે જે આજે પણ જ્યાં ઉભા રહે ત્યાંથી જ લાઇન શરૂ થાય છે. આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ આ 68 વર્ષિય અભિનેતા અન્ય અભિનેતાઓને સશક્ત હરિફાઇ પુરી પાડી રહ્યા છે. અને નિર્માતાઓ આ અભિનેતાને પોતાની ફિલ્મમાં લેવા માટે લાઇન લગાવે છે. એવી તે શું વાત છે આ માણસમાં કે જેણે નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખી. વિવેચકો અને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી. એક નજર કરીએ અમિતાભ બચ્ચન પાસેથી શિખવા જેવી કેટલીક બાબતો તરફ.
સંધર્ષ કરવો, હિંમત હારવી નહીં : બચ્ચનની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની ફ્લોપ રહી હતી. આ ફિલ્મ માટે બચ્ચનને બેસ્ટ ન્યુ કમરનો એવોર્ડ મળ્યો હતો. ત્યાર બાદની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નહોંતી. પરંતુ આનંદ ફિલ્મથી અમિતાભના અભિનયની નોંધ લેવાઇ. તે વખતના સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કરવાની તેને તક મળી. 1973માં આવી પ્રકાશ મહેરાની ઝંઝીર જેમાં “યે પુલીસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપકા ઘર નહીં” વાળા ડાયલોગ સાથે અમિતાભ પડદા પર અને લોકોના દીલો પર છવાઇ ગયા. વચ્ચેના સમયમાં કુલીનો એક્સીડન્ટ ત્યાર બાદ ફરી ફિલ્મોની નિષ્ફળતા બીજી તરફ એ.બી.સી.એલ.ના કારણે અમિતાભ દેવાદાર થઇ ગયા હતા.
હારે તે બચ્ચન નહીં...તેઓએ જંગ ચાલુ રાખ્યો. કૌન બનેગા કરોડપતી અને મહોબ્બતેથી ફરી પડદા પર ધમાકેદાર એન્ટ્રી મારીને લેણદારોની પાઇએ પાઇ ચૂકવી આપી.
દુશ્મનો કરતા મિત્રોની સંખ્યા વધુ : અમિતાભ બચ્ચનના વ્યકિતત્વનું જમા પાસુ એ છે કે કોઇ પણ માણસ એક વખત તેમને મળે એટલે તેમનાથી પ્રભાવિત થઇ જાય. તેમને દરેક અભિનેતા-અભિનેત્રી સાથે કામ કરવું ફાવે. એટલું જ નહીં રાજકારણ હોય કે ઉદ્યોગ જગત, સંગીત જગત હોય કે ખેલ જગલ દરેક જગ્યાએ બચ્ચનના મિત્રો મળી આવે.
ચુસ્ત સમય પાલન : બોલીવુડના ઘણા અભિનેતા, અભિનેત્રીઓ લેટ લતીફ તરીકે જાણીતા છે. પરંતુ આજની તારીખે પણ બચ્ચન નિશ્વિત સમયે શુટીંગના સ્થળે હાજર હોય છે. કોઇને આપેલો સમય ક્યારેય ચૂકતા નથી. બચ્ચનની આ ટેવના કારણે તેમના સહ-કલાકારો પણ સમયસર આવે છે અને નિયત સમય મર્યાદામાં શુટીંગ આટોપાઇ જાય છે.
નમે તે સૌને ગમે : અમિતાભ બચ્ચન આજે બોલીવુડના શહેનશાહ તરીકે ઓળખાય છે. પરંતુ તેના વ્યકિતત્વમાં ભારોભાર નમ્રતા જોવા મળે છે. અને નાનામાં નાના માણસની વાત પણ તે ધ્યાનથી સાંભળે છે.
પહેલું સુખ તે જાતે નર્યા : આજે 68 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચનની તંદુરસ્તી કોઇ યુવાનને શરમાવે તેવી છે. અમિતાભ નિયમિતપણે કસરત કરે છે. અને ખાવા-પીવામાં પરેજી પાળે છે.
સમય સાથે બદલાતા રહેવું : બોલીવુડમાં જો કોઇ અભિનેતાનો બ્લોગ સૌથી વધુ વંચાતો હોય તો તે છે અમિતાભ બચ્ચનનો બ્લોગ. અમિતાભ સમય સાથે બદલાતા રહે છે અને કપડાથી માંડીને ટેકનોલોજીમાં આવતા પરિવર્તનો અપનાવતા રહે છે. અને કદાચ આજ કારણ છે કે અમિતાભ બાળકોથી માંડીને વૃદ્ધો બધાને પોતીકા લાગે છે.
20 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment