23 January 2010

ભણવાના બહાને નોકરી માટે ઓસ્ટ્રેલિયા જનારા લોકો પર બ્રેક: ઈમિગ્રેશન પ્રક્રિયા કડક બનાવાશે

ભારતીયો પર હુમલાથી સતત બદનામ થઈ રહેલું ઓસ્ટ્રેલિયા હવે તેની ઈમિગ્રેશન પ્રક્રિયા વધુ આકરી બનાવશે, જેથી ખરા અર્થમાં ભણવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ જ ત્યાં જઈ શકશે અને ભણવાના બહાને નોકરી મેળવવા માટે જનારા લોકોને પ્રવેશ ન મળે.

આ ઉપરાંત સરકારે ગુણવત્તાસભર શિક્ષણ ન આપતી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પર અંકુશ માટેની પ્રક્રિયાની સ્વતંત્ર સમીક્ષા પણ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર પીટર વર્ગીઝે કહ્યું હતું કે ‘અન્ય મુદ્દા ઉપરાંત અમે પ્રામાણિકતા અંગેના કેટલાક મુદ્દે અમે ખાસ્સું ઘ્યાન આપી રહ્યા છીએ અને એવો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી ખરેખર ભણવા માટે ઓસ્ટ્રેલિયા જવા માગતા લોકો જ જાય અને ભણવાના બહાને નોકરી માટે જનારા લોકોને પ્રવેશ ન મળે.’
તેમણે કહ્યું કે પ્રામાણિકતા પર ભાર મૂકવાથી શિક્ષણને લગતી અરજીઓ રિજેક્ટ થવાનું પ્રમાણ વધશે. તેમણે સ્પષ્ટતા કરી કે ઓસ્ટ્રેલિયા ઊંચો માઈગ્રેશન રેટ ધરાવતો દેશ છે અને સારું બુદ્ધિ કૌશલ ધરાવતા લોકોને હંમેશાં તે આવકારે છે. અમે માત્ર રજિસ્ટ્રેશનનું ધોરણ આકરું બનાવવા માગીએ છીએ. આમાટે અમે સંસદમાં ખરડો રજૂ કર્યો છે.
હુમલાને વ્યાપક રીતે જોવાની જરૂર : રૂડ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કેવિન રૂડે કહ્યું કે ભારતીયો પરના હુમલા ‘ખેદ જનક’ છે, પરંતુ તેને વ્યાપક રીતે જોવાની જરૂર છે. અનેક વંશીય મૂળના વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા, ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા, મોટા શહેરોના ચોક્કસ વિસ્તારોમાં દિવસના ગમે તે સમયે થતા હુમલા વગેરે દરેક બાબતને સાંકળીને આ હુમલાને જોવાની જરૂર છે.

No comments:

Post a Comment