22 January 2010
માછીમારોને ડીઝલ સબસીડી માટે જોગવાઇનું પોરબંદરમાં આશ્વાસન
માછીમારોના અનેક વિધ પ્રશ્નો માટે ભારતભરના માચ્છીમારોની એક બેઠક પોરબંદરમાં આજે મળી છે તેવા સમયે હાલ પુરતા સુખદ સમાચાર કહી શકાય તેવા આગામી બજેટમાં રાજય સરકાર ડીઝલ પર સબસીડી માટે રૂપિયા ૧રર કરોડની જોગવાઇ કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે બંધ કરેલી લીટર પર દોઢ રૂપિયાની સબસીડી જેટલી વધારાની સહાય પણ માછીમારોને આપવી જોઇએ તેવી રજુઆત રાજય સરકાર કેન્દ્રને કરશે. માછીમારોને દરીયો ખેડવા માટે મહતમ ડીઝલની જરૂરત પડતી હોય આથી તેમા સબસીડી માટે માછીમારો અવારનવાર રાજય અને કેન્દ્ર સરકારને રજુઆતો કરતા હોય છે. તાજેતરમાં જ ગુજરાત ફિશરીઝના ડાયરેકટર અને વેરાવળ નગરપાલીકાના પ્રમુખ કિશોરભાઇ કુહાડા, પોરબંદર પાલીકાના પ્રમુખ સુનિલભાઇ ગોહેલ, જીતુભાઇ મસાણી સહિતના આગેવાનોએ રાજયના નાણા મંત્રી વજુભાઇ વાળા તેમજ મત્સ્યોધોગ મંત્રી દિલીપભાઇ સંઘાણી સાથે એક ખાસ બેઠક યોજી હતી. જેમાં મત્સ્યોધોગને મંદીમાંથી બહાર લાવવા માટે રાજય સરકાર યોજનાના માઘ્યમથી મદદરૂપ બને તેવી રજુઆત કરી હતી. આ ઉપરાંત રાજય સરકાર ૧ લીટર ડીઝલ ઉપર ૪ રૂપિયા જેવી સબસીડી આપતી હતી તે ફરીથી ચાલુ કરવામાં આવે તો બોટ માલીકો પરનું આર્થિક ભારણ ઘટી શકે તેમ છે. આ રજુઆત બાદ નાણા મંત્રીએ એવુ આશ્વાસન આપ્યુ હતું કે આવા પ્રકારની ખાસ જોગવાઇ બજેટમાં જ શક્ય છે આથી આવતા બજેટમાં રૂપિયા ૧રર કરોડની ડીઝલ સબસીડી માટેની જોગવાઇ કરાશે તેવુ આશ્વાસન આપ્યું હતું. ખરેખર તો આગામી બજેટમાં આ પ્રકારની જોગવાઇ આપવામાં આવે તો માછીમારો માટે સોનાની જાળ સમાન બની રહેશે. નાણા મંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર માછીમારોને ડીઝલ સબસીડી ફરીથી આપે તે માટે પણ રાજય સરકાર કેન્દ્ર સમક્ષ રજુઆત કરશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment